Get Mystery Box with random crypto!

*આત્મવિશ્વાસ કેળવો* માધવ ખૂબ જ સારું ક્રિકેટ રમતો હત | શબ્દ ઉત્સવ

*આત્મવિશ્વાસ કેળવો*


માધવ ખૂબ જ સારું ક્રિકેટ રમતો હતો. પ્રાથમિક શાળામાં અને હાઇસ્કૂલમાં તેને કેપ્ટન બનાવવામાં આવતો. મોટાભાગે તેની ટીમ જ વિજેતા બનતી. તે ઘણું સારું બેટિંગ કરી શકતો હતો.

આમ ને આમ તે કોલેજમાં આવ્યો. કોલેજમાં તેને કેપ્ટન બનાવવામાં ન આવ્યો પણ એક બેટ્સમેન તરીકે તેમની પસંદગી અવશ્ય થઈ.

તેને કેપ્ટન ન બનાવતા તે નિરાશ થયો. થોડા સમય પછી આંતરકોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય.

આ ટુર્નામેન્ટમાં કુલ દસ કોલેજે ભાગ લીધો. તેમાં સરસ્વતી કોલેજનો દેવ બોલિંગમાં ખૂબ જ વખણાતો. તે ૧૪૦ની ઝડપે બોલ ફેંકી શકતો.

માધવે પણ દેવના વખાણ સાંભળ્યા હતા. માધવના મનમાં બીક પેસી ગઈ કે, જો તે દેવ સામે સરખું પ્રદર્શન ન કરી શકશે તો ટીમમાંથી બેટ્સમેન તરીકે પણ તેની હકાલપટ્ટી થઇ જશે.

કેપ્ટન બનવા તો ન મળ્યું પણ, બેટ્સમેન તરીકે નિષ્ફળ જશે તો? તે સતત ટેન્શનમાં રહેવા લાગ્યો.

પહેલા ત્રણ મેચમાં તે ડબલ અંકે પણ પહોંચી ન શક્યો. દેવ સામે તો તે પહેલા બોલમાં જ ક્લીન બોલ્ડ થઇ ગયો.

તે હવે સાવ હતાશ થઈ ગયો. ક્રિકેટમાં પોતે કશું ઉકાળી શકશે નહીં એવું એના મનમાં ઠસાઈ ગયું.

માધવના કોચ હર્ષદભાઈથી આ વાત અછાની ન રહી. તે જાણતા જ હતા કે, માધવ સારો બેટ્સમેન છે. એનામાં ભરપૂર કાબિલિયત છે, પણ અત્યારે એ સારું પ્રદર્શન નથી કરી રહ્યો. તેણે આત્મવિશ્વાસ ગુમાવી દીધો છે. મારે ફક્ત તેનામાં આત્મવિશ્વાસ જગાડવાનો છે.

જેમ બને તેમ જલ્દી મારે તેનામાં આત્મવિશ્વાસ ઊભો કરવો પડશે.

રાત્રે કોચ હર્ષદભાઈએ માધવને બોલાવ્યો. આવતાંવેંત જ માધવની આંખમાંથી અશ્રુ સરી પડ્યા.

હર્ષદભાઈએ તેને પાણી આપ્યું અને ખુરશી પર બેસવા કહ્યું.

હર્ષદભાઈ તેની સામે ઊભા રહ્યા. માધવ તેમની સામે નજર મિલાવી ન શક્યો.

માધવે નીચું માથું રાખી કહ્યું કે, "હું હવે ક્રિકેટમાં કશું ઉકાળી શકું તેમ નથી. આ ટુર્નામેન્ટ પૂરી થાય પછી હું ક્યારેય ક્રિકેટ રમીશ નહીં."

હર્ષદભાઈ કહ્યું કે, "તારામાં ખૂબ જ કાબિલિયત છે. ક્રિકેટ રમવામાં તું હોશિયાર જ છે. તું એક સફળ બેટ્સમેન થઈશ જ. તેમાં બે મત નથી. તારામાં ફક્ત એક આત્મવિશ્વાસની કમી છે. તું નાની નાની બાબતમાં આત્મવિશ્વાસ ગુમાવી દે છે, તે તારું નબળું પાસું છે."

" તું એકાગ્ર બન. કોઈની કોમેન્ટથી તારુ ધ્યાનભંગ ન થવા દે. વિકેટકીપર ગમે તે બોલે પણ તારે ધ્યાનમાં લેવું જ નહીં. અર્જુનને જેમ પક્ષીની એક આંખ જ દેખાતી હતી તેમ તારે ફક્ત બોલ ઉપર જ નજર રાખવી."

"દરરોજ યોગ પણ કરવા. કોઈનું કશું સાંભળવું જ નહીં. તે દેડકાની વાર્તા સાંભળી જ હશે! પહાડ પર ચઢવામાં એક જ દેડકો સફળ થયો. કારણ કે તે બહેરો હતો. બીજા દેડકા કોઈ પહાડ ચડી ન શક્યા. કારણ કે બીજા દેડકા કહેતા હતા કે, ખૂબ જોખમ છે. બહેરો દેડકો સાંભળી જ નહોતો શકતો. આથી તે પહાડ ચડી શક્યો."

" સચિનને પણ તેની ઊંચાઇ બાબતે ઘણી કોમેન્ટ કરતાં. પણ તે બેટથી જ તેનો જવાબ આપતો. સચિને ક્યારેય મન પર તેની ઊંચાઇ ને હાવી થવા દીધી ન હતી."

"અબ્રાહિમ લિંકન ને પણ ઘણી નિષ્ફળતા મળી હતી. છતાં તે ક્યારેય નિરાશ થયા ન હતા. સતત તે હારને પચાવતા રહ્યા. અંતે તે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બનાવવામાં સફળ રહ્યા."

"તું તો ફક્ત આ ટુર્નામેન્ટમાં ત્રણ ચાર મેચમાં જ નિષ્ફળ ગયો છે સારા સારા બેટ્સમેન પણ ઘણી વખત નિષ્ફળ જાય છે. પણ તે નિષ્ફળતાને પચાવી જાણે છે, અને તે પાછા સફળ થાય છે."

" હવે તું આત્મવિશ્વાસ કેળવ. તારામાં શક્તિ તો છે જ. ફક્ત મન એકાગ્ર રાખીશ તો કશું અશક્ય નથી."

હર્ષદભાઈની વાતથી માધવમાં હકારાત્મક ઉર્જાનો સંચાર થયો. તેનામાં આત્મવિશ્વાસ આવી ગયો. તેને સમજાયું કે થોડીક મેચમાં નિષ્ફળ જઈએ તો તે હંમેશાંની નિષ્ફળતા હોતી નથી.

હવે હું મારી એકાગ્રતા ભંગ થવા દઇશ નહીં. ઝીરોમાં આઉટ થઈશ તો પણ મન પર લઈશ નહીં. પણ કેવી રીતે આઉટ થયો તેનું કારણ શોધીને તે પ્રમાણે ભરપૂર પ્રેકટીશ કરીશ. તે સાવ હળવોફૂલ થઈ ગયો.

બીજા દિવસની મેચમાં તેનું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું. તેણે પંચાવન રન કર્યા. ઉત્તરોત્તર તેનું પ્રદર્શન સુધરતું જ રહ્યું. તે ક્યારેક શૂન્યમાં આઉટ થતો તો પણ મન ઉપર લેતો નહીં.

તેને સમજાયું કે "આત્મવિશ્વાસ કેળવવાથી કોઈ કામ અશક્ય નથી."

*પ્રકાશ કુબાવત*